લાંબી તપસ્યા અને અગણિત માનતાઓ બાદ આખરે રાજમહેલના સૂનકારને ચીરતો એક અવાજ ગુંજી ઊઠ્યો: રાણીબાની કૂખે રાજગાદીનો વારસદાર, કુંવર જન્મ્યો. સમસ્ત રાજગઢમાં આનંદનો મહાસાગર ઘૂઘવ્યો, પરંતુ વિધાતાના ખેલ તો અકળ હોય છે! નવજાત કુંવરનું રુદન એટલું તો અસહ્ય હતું કે જાણે રાજગઢની દીવાલોમાં પડેલા રહસ્યોને પણ ઓગાળી નાખે.
થાને દૂધપાન કરાવવા માટે નવજાત કુંવર રાણીબાના માતૃત્વના સ્પર્શને પણ સ્વીકારતો નહોતો. જ્યારે રાજવૈદોના પ્રયાસો અને જ્યોતિષોની ગણતરીઓ નિષ્ફળ ગઈ, ત્યારે નિયતિએ એક નામ નિર્ધારિત કર્યું: શતાલી, એક ધાત્રી.
શતાલી… તેનામાં હતું પુષ્પ કરતાં પણ વધુ સુકોમળ શીલ, અને ચાંદનીના તેજ કરતાંય અધિક લાવણ્ય. એનું સ્વરૂપ એટલું તો નમણું અને મોહક હતું કે જોનારની આંખો પલકારા મારવાનું ભૂલી જાય.
પરંતુ, રાજઘરાનાની ધર્મનીતિ અને વિધિની ક્રૂરતા જુઓ! શતાલી જ્ઞાતિએ વસવાયા કોમની હતી! અને બસ, આ ભેદની રેખા પરથી જ શરૂ થાય છે સત્તા, સંસ્કાર અને સંઘર્ષથી ભરેલી આ રાજઘરાનાની કથા.
આ કથા માત્ર રાજકીય ખટપટો કે દાવપેચની નથી; આ તો નારીત્વનાં બે શક્તિશાળી સ્વરૂપોનો આંતરિક ટકરાવ છે: એક તરફ છે પત્નીનો અધિકાર અને રાજધર્મની મર્યાદા. તો બીજી તરફ છે માતૃત્વનો નિસ્વાર્થ સ્નેહ અને સમર્પણની પરાકાષ્ઠા.
અહીં સત્તાના આંગણે સૌન્દર્ય અને શીલ વચ્ચેના તણખાઓ જાહેરમાં ઝરે છે, અને આ બધાની વચ્ચે એક નિર્દોષ પ્રેમનું ફૂલ કચડાઈને કરમાઈ જાય છે.
આ રાજઘરાનાની કથા એટલે સત્તા, સ્નેહ અને સ્વાર્થના ખેલમાં ખેલાતી એક એવી ખુલ્લી શતરંજ, જેના દરેક મહોરાંનું ભાવિ ભાગ્યના હાથમાં છે!

Reviews
There are no reviews yet.