નરેન્દ્રભાઈનું અવતારકૃત્ય
નરેન્દ્રભાઈ અને મારી વચ્ચે એક અનોખો પ્રેમ સંબંધ છે. એમના ૭, લોકકલ્યાણ માર્ગ ખાતે એકાદ વખત મળવાનું બન્યું છે. ત્યારે મેં મારા પરમ આદરણીય શ્રી મોરારજીભાઈ દેસાઈનું નામ સુરતના ઍરપોર્ટને આપવામાં આવે એવી ભલામણ કરી હતી. એમણે કહ્યું કે, એ કામ થઈ ગયું છે. એક બાબત યાદ રાખવા જેવી છે કે, નરેન્દ્રભાઈને ભલામણ કરનાર પ્રત્યે થોડો અણગમો હોય છે. મેં બીજી એક ભલામણ કરી, જે મારી દૃષ્ટિએ સાચી હતી, કોઈ સ્વાર્થ નહોતો- તે વખતે એ બીજી બાજુ જોતા રહ્યા, મારું સાંભળ્યું જ નહીં. શાસનકર્તા માટે આમ કરવું જરૂરી છે.
નરેન્દ્રભાઈ એવા લોકપ્રિય વડા પ્રધાન છે કે એમની ત્રીજી ટર્મ પણ તેઓ પૂરી કરશે અને તો ય એમની લોકપ્રિયતા જળવાઈ રહેશે. આજે પણ તેઓ સર્વાધિક લોકપ્રિય નેતા છે. આ બાબતનું રહસ્ય શું?
ગાંધીજીએ ‘અવતાર’ શબ્દની વ્યાખ્યા આપી છે. એમણે લખ્યું છે કે, ‘અવતાર’ એટલે “શરીરધારી પુરુષવિશેષ.” આ વ્યાખ્યા નરેન્દ્રભાઈને લાગુ પડે છે. એમનું અવતારકૃત્ય એટલે સરદાર પટેલનું અવતારકૃત્ય. સરદાર જ્યાં હશે ત્યાં નરેન્દ્રભાઈ પર આશીર્વાદ વરસાવતા હશે.
નરેન્દ્રભાઈને કોઈ છેતરી ન શકે. પરિવારમાં આગળ-પાછળ કોઈ ન હોવાને કારણે ભ્રષ્ટાચારનો આક્ષેપ એમના પર કોઈ વિરોધી મૂકી શકે તેમ નથી. કદાચ કોઈક વાર પોતાના પક્ષને માટે કંઈક કરવું પડે તો તેઓ કરતા હશે, એમ બને, પરંતુ વિરોધીઓએ પણ એમની એ મર્યાદા જાળવી છે. વિદેશ સાથેના સંબંધમાં તેઓ પંડિત નહેરુ કરતાં પણ આગળ જઈ શક્યા છે. દેશહિત પહેલું અને પછી બીજું બધું એ એમનું સૂત્ર છે. આવા નરેન્દ્રભાઈ ભારતને મળ્યા છે એ આપણા સૌનું સદ્ભાગ્ય છે. વડા પ્રધાન તરીકે કોઈને ત્રીજી ટર્મ મળે એવું સહજ રીતે ન બને, પરંતુ નરેન્દ્રભાઈના પરાક્રમી જીવનનું આ તો પાકેલું પુણ્યફળ છે. આ માટે ભારત ભગવાનનો આભારી છે. નરેન્દ્રભાઈ નવો ઇતિહાસ રચી રહ્યા છે. એમના પરાક્રમનો છેડો ક્યાં આવશે, ક્યારે આવશે એ કહેવું શક્ય નથી, કારણ કે એ માણસ અંદરથી સાધુ છે અને સંસારથી વિરક્ત છે.
નરેન્દ્રભાઈના આ પુસ્તક માટે આવકારકથન લખતી વખતે મારે ખાસ કાળજી રાખવી પડી છે કે ક્યાંક અતિશયોક્તિ ન થઈ જાય અને ખોટી પ્રશંસા પણ ન થઈ જાય. મને એમ લાગે છે કે ઇતિહાસ કોઈની શરમ રાખતો નથી. ઇતિહાસ બડો બેશરમ હોય છે. એ તો ગાંધીજીની પણ શરમ રાખતો નથી. આ પુસ્તકને હું શગમોતિડે વધાવું છું અને ખાસ ઇચ્છું છું કે એનો પ્રચાર-પ્રસાર વધારે થાય અને નરેન્દ્રભાઈનું યોગ્ય મૂલ્યાંકન થાય.

Reviews
There are no reviews yet.