આદર્શ પ્રકાશન

આદર્શ પ્રકાશન-શબ્દલોક પ્રકાશન: સાહિત્ય, સંસ્કૃતિ અને સંસ્કારિતાનો સંગમ

વાચન પ્રત્યેનો બચપણથી લગાવ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કરવામાં આવતી નાગરિક ઘડતરની વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત પુસ્તકાલય તેમજ વાચનાલયની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી નવનીતભાઈ મદ્રાસી પુસ્તક પ્રકાશનને વ્યવસાય લેખે અપનાવવા માટે પ્રેરાયા. અમદાવાદની ટોકરશાની પોળમાં રાષ્ટ્રીય આદર્શ મંડળના નામે આ પ્રવૃતિઓ ચાલતી હોવાથી પ્રકાશનસંસ્થાનું નામ પણ તેમણે ‘આદર્શ પુસ્તક ભંડાર’ રાખ્યું, જે તેમના વ્યક્તિત્ત્વને પણ અનુરૂપ હતું. 1972માં ‘આદર્શ પુસ્તક ભંડાર’નું રૂપાંતર ‘આદર્શ પ્રકાશન’ના નામે થયું. 2023 સુધી ‘આદર્શ પ્રકાશને’ આઠ દાયકાની સાતત્યભરી સફર પૂર્ણ કરી છે.

આ સંસ્થાના સ્થાપક નવનીતભાઈ મદ્રાસીનો ટૂંકમાં પરિચય પણ મેળવવા જેવો છે. કેમ કે, આ સંસ્થા તેમનો સંસ્કારવારસો છે. નવનીતભાઈએ ‘મૂક સાહિત્યસેવક’ બની રહીને સાહિત્યની આજીવન ઉપાસના કરી. તેમની જન્મભૂમિ મદ્રાસ(ચેન્નાઈ), પણ કર્મભૂમિ અમદાવાદ રહી. આમ છતાં પોતાની જન્મભૂમિ મદ્રાસ માટેના પ્રેમને લઈને તેમણે ‘શાહ’ને બદલે ‘મદ્રાસી’ અટક રાખી લીધી. સામાજિક અને આર્થિક, શારિરીક અને માનસિક સંઘર્ષો વચ્ચે પણ તેમનું સત્ત્વ જળવાયેલું રહ્યું.

પોતે રહેતા હતા એ ટોકરશાની પોળમાં ‘રાષ્ટ્રીય આદર્શ મંડળ’ની સ્થાપના કરવામાં નવનીતભાઈએ સક્રિય ભાગ ભજવ્યો. નવનીતભાઈ અને તેમના જેવા તરવરિયા જુવાનિયાઓએ પોળના લોકોને અનેકવિધ પ્રવૃત્તિઓમાં સાંકળ્યા. તેમના વૈચારિક ઘડતર માટે પોળમાં પુસ્તકાલયનો આરંભ કરવામાં આવ્યો. પુસ્તકો સાથે નવનીતભાઈનો પહેલવહેલો પરિચય આ રીતે આરંભાયો. સ્વાતંત્ર્યસૈનિક તરીકેની તેમની ભૂમિકા અને તેના થકી ઘડાયેલા રાષ્ટ્રીય સંસ્કારના વિસ્તારરૂપે જ તેમણે આગળ જતાં પુસ્તક વ્યવસાયમાં પ્રવેશ કર્યો.

તેમણે દક્ષિણ ભારતની ચારે ભાષાઓ-કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ-માંથી વિવિધ સાહિત્યકૃતિઓના સીધા ગુજરાતીમાં જ અનુવાદ કર્યા, એટલું જ નહીં, તેને પ્રકાશિત પણ કર્યા. ગુજરાતી સાહિત્યમાં આ અનન્ય ઘટના કહી શકાય..

પ્રથમ માત્ર બે નવલકથાઓના પ્રકાશનથી આ સંસ્થાનો શુભારંભ થયો. મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘પ્રેમ અને પૂજા’ તેમજ બંગાળી સર્જક નારાયણ ભટ્ટાચાર્યની નવલકથાનો ગુજરાતી અનુવાદ ‘વિવાહમંદીર’ પ્રકાશિત કરવાનું નક્કી થયું હતું. પણ ‘પ્રેમ અને પૂજા’ માટે સ્વામી આનંદની પ્રસ્તાવના આવવામાં વિલંબ થયો. આથી સૌ પ્રથમ પ્રકાશિત પુસ્તક ‘વિવાહમંદીર’ બની રહ્યું. વર્ષ હતું 1943નું.

રાયખડ પાસે ઈટાલીયન બેકરીની બાજુમાં ‘આદર્શ પુસ્તક ભંડાર’ની ભગિની સંસ્થા ‘કમલેશ પુસ્તક ભંડાર’ની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી 1978માં ‘શબ્દલોક પ્રકાશન’નો પ્રારંભ થયો, જે આજે પણ કાર્યરત છે.

વ્યવસાયમાં તેમનું કોઈ હરીફ નહોતું, બલ્કે સૌ કોઈ શુભેચ્છક હતા. આથી જ વ્યવસાયમાં એક વાર વિપરીત સંજોગો ઊભા થતાં એ જ વ્યવસાયના અન્ય લોકોએ તેમને ટકી રહેવામાં મદદ કરી, જે એક વિરલ બાબત કહેવાય.

એ સમયના અનેક લેખકો-પ્રકાશકો-વિક્રેતાઓના સહયોગથી ‘આદર્શ’ની પ્રકાશન પ્રવૃત્તિ વિકસતી રહી. 1965માં નવનીતભાઈના મોટા પુત્ર કૃષ્ણકાંતભાઈ વ્યવસાયમાં જોડાયા. તેમણે કોલેજોમાં વિવિધ પ્રાધ્યાપકોનો સંપર્ક કર્યો અને અનેક નવા વિષયો પર પુસ્તકો પ્રકાશિત કર્યા. 1970માં નવનીતભાઈના નાના પુત્ર કમલેશભાઈ પણ આ જ વ્યવસાયમાં જોડાયા. તેમણે પ્રાધ્યાપકો સાથેના સંપર્કો મજબૂત કર્યા અને ગુજરાતભરની વિવિધ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તેની ફળશ્રુતિરૂપે યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ચાલી શકે એવા લેખકોનાં પુસ્તકો, સાહિત્યકારો તેમ જ સન્નિષ્ઠ પ્રાધ્યાપકો પાસેથી પ્રશિષ્ટ સાહિત્યના વિવિધ પ્રકારનાં સંપાદનો કરાવી તેને પ્રકાશિત કરવાનો આરંભ કર્યો. આવાં પુસ્તકોનું પ્રકાશન સાહિત્યમાં સાતત્યપૂર્ણ અને ગુણવત્તાપૂર્વક થતું હોવાથી ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં તે સ્વાભાવિક રીતે સ્થાન પામતાં રહ્યાં. સાહિત્ય તેમ જ શિક્ષણક્ષેત્રે ‘આદર્શ’ અને ‘શબ્દલોક’ની આ એક મહત્ત્વની અને વિશિષ્ટ ઉપલબ્ધિ બની રહી.

વ્યવસાયનો વિકાસ થયો એમ જગ્યાની અછત અનુભવાવા લાગી. પરિણામસ્વરૂપ 1979માં ગાંધી રોડ પર જુમ્મા મસ્જિદની સામે સ્થળાંતર કરવામાં આવ્યું. વ્યવસાયનું વિસ્તરણ થતું ગયું એમ હજી વધુ જગ્યાની જરૂર પડતી ગઈ. 1994માં ગોડાઉન માટે ગાંધી રોડ પર બાલા હનુમાન પાસે લીમડા પોળમાં મોટું મકાન ખરીદવામાં આવ્યું. ત્યાર પછી 1997માં ગાંધી રોડ પર જ બાલા હનુમાન પાસે નવી વિશાળ જગ્યા ‘સારસ્વત સદન’માં સ્થળાંતર કરવામાં આવ્યું. બીજી પેઢી પછી નવનીતભાઈની ત્રીજી પેઢીએ પણ આ જ વ્યવસાયને અપનાવ્યો. 1996માં કૃષ્ણકાંતભાઈના પુત્ર નીરવભાઈ અને 2000માં કમલેશભાઈના પુત્ર કુણાલભાઈ જોડાયા. બદલાતા સમયને અનુરૂપ તેમણે સંસ્થાકીય ગ્રાહકો ઉપરાંત વ્યક્તિગત વાચકોને પણ ધ્યાનમાં રાખીને વેચાણ કરી શકાય એ પ્રકારના વિષયો પરનાં પુસ્તકોનું પ્રકાશન શરૂ કર્યું. એન્‍સાઈક્લોપિડીયા, વ્યક્તિત્વવિકાસ, લીડરશીપ, મેનેજમેન્ટ, પાકશાસ્ત્ર, આયુર્વેદ, શિક્ષણ જેવા અનેક વિષયોને આ રીતે આવરી લેવામાં આવ્યા. આમ, શાળા- કોલેજો, ગ્રંથાલયથી લઈને વ્યક્તિગત ગ્રાહકો સુધીના તમામ શ્રેણીના વાચકોની વાચનભૂખ સંતોષાય એ રીતે પ્રકાશનનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો. 2001માં આવેલા ભૂકંપને કારણે ‘સારસ્વત સદન’ ઈમારતને ઘણું નુકસાન થયું હતું. નવેસરથી બનાવાયેલા આ મકાનનું ઉદઘાટન 2003માં તત્કાલીન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ અને પ્રખર વિદ્વાન કે.કા.શાસ્ત્રીને હસ્તે કરવામાં આવ્યું.

‘આદર્શ પ્રકાશન’ છેલ્લા 51 વરસથી ‘અભિનવ સાહિત્ય’ નામે માસિક મુખપત્રનું પ્રકાશન કરે છે, જેની આશરે 7500 જેટલી નકલો રાજ્યભરની શાળાઓ, કોલેજો, પુસ્તકાલયોને મોકલવામાં આવે છે.

‘આદર્શ’ના લેખકોનો પરિવાર બહોળો છે અને અનેક પ્રતિષ્ઠિત નામોથી તે શોભાયમાન છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’, પ્રા. નવલરામ જ. ત્રિવેદી, હરિપ્રસાદ દેસાઈ, નીરુ દેસાઈ, કૃષ્ણપ્રસાદ ભટ્ટ, શિવમ સુંદરમ વગેરે લેખકો ‘આદર્શ’ સાથે શરૂઆતથી જોડાયા. આ સર્જકોના પુસ્તકોના પ્રકાશનની સાથે વિશ્વવિખ્યાત યુગપ્રવર્તક ફિલસૂફ ખલીલ જિબ્રાનના પુસ્તકોના ગુજરાતી ભાવાનુવાદ પ્રકાશિત કર્યા. સાથેસાથે ઈંગ્લેન્‍ડના બેસ્ટ સેલર પુસ્તકોના સર્જક રાઈડર હેગાર્ડની નવલકથાઓના અનુવાદ નવનીતભાઈએ પોતે કરીને પ્રકાશિત કર્યા. આ ઉપરાંત નોબેલ પારિતોષિકથી પુરષ્કૃત સર્જકોના પુસ્તકો તેમ જ વિશ્વસાહિત્યના ઉત્તમ એવા કેટલાક પુસ્તકોના લોકભોગ્ય અનુવાદો પણ પ્રકાશિત કર્યા.

વહેતા સમયની સાથે સાથે સર્વશ્રી ઉમાશંકર જોશી, સુન્દરમ્, સ્નેહરશ્મિ, રાજેન્દ્ર શાહ, નગીનદાસ પારેખ, કે. કા. શાસ્ત્રી, ઝવેરચંદ મેઘાણી, જયંતિ દલાલ, રઘુવીર ચૌધરી, રામનારાયણ વિ. પાઠક, ર. વ. દેસાઈ, જ્યોતિન્દ્ર દવે, ચંદ્રકાન્‍ત શેઠ, રજનીકુમાર પંડ્યા, મફત ઓઝા, રાવજી પટેલ, ચિનુ મોદી, શ્રીકાન્ત શાહ, શેખાદમ આબુવાલા, સરોજ પાઠક, વર્ષા અડાલજા, દક્ષા વ્યાસ, પ્રતિભા શાહ, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, રમણલાલ પાઠક, જયંત પાઠક, ઉશનસ્‍, ગુલાબદાસ બ્રોકર, ખલીલ ધનતેજવી, યોગેન્દ્ર જાની, ડો. રમેશ એમ. ત્રિવેદી, ડૉ. મફતલાલ પટેલ, શિવકુમાર જોશી, કનૈયાલાલ જોશી, નટુભાઈ ઠક્કર, સોમાભાઈ પટેલ, રમેશ પટેલ, કૈલાસ નાયક, રસિક મહેતા, ડૉ. મધુભાઈ કોઠારી, રતિલાલ સાં. નાયક, ડો. ભરતકુમાર ઠાકર, સતીશ ડણાક, હરીશ વટાવવાળા, યશવંત કડીકર, સોમાભાઈ પટેલ, ડૉ. મફતલાલ પટેલ, હરીશ નાયક, કુમાર જૈમિનિ શાસ્ત્રી, ભરત નાયક, યશવંત કડીકર, વૈદ્ય શોભન, ડૉ. નવીન ધામેચા, વનરાજ માલવી, એનાક્ષી હોરા, સતીશચંદ્ર દેસાઈ જેવાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત લેખકોનાં પુસ્તકોથી ‘આદર્શ પ્રકાશન’ની અને ‘શબ્દલોક’ની યાદી ઊજળી છે. એમ જોઈએ તો, ગુજરાતી સાહિત્યના મોટા ભાગના ઉત્તમ સાહિત્યસર્જકોનાં પુસ્તકો પ્રકાશિત કરવાની તક અમને પ્રાપ્ત થઈ છે.

ગુજરાતી સાહિત્યના નામાંકિત સર્જકોની ઉત્તમ વાર્તાઓની ‘…શ્રેષ્ઠ વાર્તાશ્રેણી’ પ્રકાશિત કરી છે. કેટલાંક નીવડેલા નાટ્ય સર્જકોના એકાંકી નાટકોમાંથી  એકાંકીઓનાં ‘….પ્રતિનિધિ એકાંકીઓ’ના નામે સંપાદનો પ્રગટ કર્યા છે. તેમજ મધ્યકાલીન અને અર્વાચીન કવિઓનાં કાવ્યોમાંથી ચૂંટેલાં ઉત્તમ કાવ્યોની ‘આદર્શ કાવ્યસંચય શ્રેણી’ પ્રગટ કરી. આજ રીતે ગુજરાતી શિષ્ટમાન્ય સાહિત્યના કેટલાંક પુસ્તકો લાંબા સમયથી અપ્રાપ્ય હોવાને કારણે વિસરાતા જતાં હતા, આવા પુસ્તકોમાંથી ગુજરાતી ટૂંકી વાર્તાનાં પ્રથમ સર્જક મલયાનીલની ‘ગોવાલણી અને બીજી વાતો’ની પ્રથમ આવૃત્તિ 1935માં પ્રકાશિત થયેલ હતી જેનું પછી 82 વર્ષ પછી આદર્શ પ્રકાશન દ્વારા પુનર્મુદ્રણ કરવામાં આવ્યું. આજ જ રીતે રા. વિ. પાઠકનું પુસ્તક ‘અર્વાચીન કાવ્યસાહિત્યના વહેણો’, આનંદશંકર ધ્રૂવનો ‘કવિતાવિચાર’, રમણભાઈ નીલકંઠનું ‘કવિતા અને સાહિત્ય’, જયંતિ દલાલનું ‘ધીમુ અને વિભા’, કાન્તનું ‘પૂર્વાલાપ’, કૃષ્ણલાલ શ્રીધરાણીનું ‘કોડિયા’, પ્રહ્લાદ પારેખનું ‘બારી બહાર’, દાદાસાહેબ માવલંકરનું ‘માનવતાનાં ઝરણાં’ જેવા 50થી વધુ પુસ્તકો ‘શિષ્ટપ્રશિષ્ટ સાહિત્ય શ્રેણી’ અંતર્ગત આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાયા છે. ‘શિષ્ટપ્રશિષ્ટ સાહિત્યશ્રેણી’ અંતર્ગત પ્રકાશિત થયેલા આ પુસ્તકોને સંનિષ્ઠ પ્રાધ્યાપકો અને સાહિત્યપ્રેમીઓ તરફથી ખૂબ મોટા પ્રમાણમાં આવકાર મળ્યો છે. ઉપરાંત મલ્ટીકલરમાં છપાયેલા ‘અદભૂત ચિલ્ડ્રન્સ એન્સાયક્લોપીડીયા’નાં ચાલીસ પુસ્તકોની શ્રેણીને વાચકોનો અદભૂત પ્રતિસાદ સાંપડ્યો છે. ગુજરાતી ભાષામાં સરળ રીતે લખાયેલા લોકભોગ્ય વિજ્ઞાનશ્રેણીનાં પુસ્તકો શાળાઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. ગુજરાતી સાહિત્યના અનેક લબ્ધપ્રતિષ્ઠિત સર્જકોના પુસ્તકો પ્રકાશિત કરવાની સાથે સાથે આદર્શ પ્રકાશન તરફથી અનેક નવોદિત લેખકોના પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવે છે.

સાહિત્ય, સંસ્કૃતિ અને સંસ્કારીતાના ઉપાસક હોવાથી અને વાંચન પ્રત્યે અંગત રીતે લગાવ હોવાથી આટલાં વર્ષોમાં કદી આ વ્યવસાય બદલાવાનો વિચાર સુદ્ધાં સંચાલકોને આવ્યો નથી. તેને બદલે આ જ વ્યવસાયને તેઓ ઉત્તરોત્તર વિકસાવતા રહ્યા છે. વાચકોની બદલાતી જતી રુચિ અવારનવાર યોજાતા પુસ્તકમેળાઓ થકી તેમજ ફેસબુક કે વોટ્સેપ જેવાં આધુનિક માધ્યમો દ્વારા મેળવવાની ચીવટ તેઓ રાખે છે.

આ એંસી વરસમાં સાતેક હજાર જેટલાં પુસ્તકોનું પ્રકાશન આ હકીકતનો પુરાવો છે. શબ્દલોક પ્રકાશન, જ્ઞાનમંદીર પ્રકાશન, સારસ્વત સાહિત્ય સદન તેમજ આદર્શ સાહિત્ય સદન જેવી પેટા કંપનીઓ ધરાવતા આદર્શ પ્રકાશનની મુખ્ય ઓળખ ગુજરાતી ભાષામાં શિષ્ટ, સંસ્કારી અને સાહિત્યિક ગુણવત્તા ધરાવતા પુસ્તકોનું પ્રકાશન કરતી સંસ્થાની બની રહી છે. સંસ્થાના વર્તમાન સુકાની કૃષ્ણકાંતભાઈ અને કમલેશભાઈ મદ્રાસી તેમ જ નવી પેઢીના તેમના પુત્રો નીરવભાઈ અને કુણાલભાઈ માને છે કે નવી ટેકનોલોજીને લીધે નવી સમસ્યાઓ આવી છે, તેની સામે નવી તકો પણ ઊભી થઈ છે. તેઓ દૃઢપણે માને છે કે કમ્પ્યુટર, કીન્ડલ, મોબાઈલ ફોન જેવા આધુનિક ઉપકરણોને લઈને સુવિધા વધી છે. તેથી ભવિષ્યમાં આ વ્યવસાય રહેશે, બદલાશે માત્ર તેનું સ્વરૂપ.

ADDRESS

Adarsh Prakashan
1760/1, ‘Saraswat Sadan’, Gandhimarg, Opp. Bala Hanuman Temple, Ahmedabad-380001

PHONE

Mobile: (+91) 9512509090
Hotline: (079) 22135560

EMAIL

adarshprakashan.1943@gmail.com
TESTIMONIALS

Read Reviews by My Readers

" Auteur is a monthly book review publication distributed to 400,000 avid readers through subscribing bookstores & public libraries."

Vladimir Nabokov

/ Reporter

" It was a dark night, with only occasional scattered lights, glittering like stars on the plain. It flashed upon me suddenly: they were going to shoot me!"

Savanna Walker

/ Reporter

" Auteur is a monthly book review publication distributed to 400,000 avid readers through subscribing bookstores & public libraries."

Vladimir Nabokov

/ Reporter

Join the community

Newsletter to get in touch

80 k
ACTIVE READERS
1 m+
TOTAL PAGES
14 k
instagram fans
4.6 k
FACEBOOK FANS
Open chat
Hello