Author

DALAPATRAM

"કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી. તેમનો જન્મ સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો હતો. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા. બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો. 1848માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા. 1854માં ફૉર્બસ ઈંગ્લૅન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી. પરંતુ 1855માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બસની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની જવાબદારી સંભાળી. 1858માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’ 1845માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે."

Open chat
Hello