DR. KAUSHIK CHAUDHARY

ડૉ. કૌશિક ચૌધરી ગુજરાતના પાલનપુરમાં સ્થાયી થયેલા એક બહુમુખી પ્રતિભા ધરાવતા ડેન્ટલ સર્જન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખક, કૉલમિસ્ટ અને ગહન ચિંતક છે. તેઓ આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય વેદાંતના સમન્વય માટે વિશ્વભરમાં જાણીતા છે. વર્ષ ૨૦૧૫માં પ્રકાશિત તેમના પ્રથમ પુસ્તક "It's not a Creation, It's a Projection through Expression" માં તેમણે બ્રહ્માંડનો સર્વપ્રથમ એકીકૃત સિદ્ધાંત (Unified theory of universe) રજૂ કર્યો હતો. તેમના આ ક્રાંતિકારી પુસ્તકને પ્રો. સ્ટીફન હોકિંગ જેવા વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રીએ ચકાસ્યું છે અને ઈસરો (ISRO) ના ભૂતપૂર્વ ચેરમેન ડૉ. જી. માધવન નાયર દ્વારા તેની પ્રશંસાભરી વિવેચના કરવામાં આવી છે.

વિજ્ઞાન ઉપરાંત સાહિત્ય, પત્રકારત્વ અને સનાતન ધર્મ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર યોગદાન છે. તેમણે પ્રાચીન 'ન્યાય દર્શન' પર આધારિત અત્યંત વખણાયેલી કાનૂની થ્રિલર નવલકથા "The Play of Justice" લખી છે જેની ગુજરાતી આવૃત્તિ "ન્યાયનો ખેલ" નામે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તેઓ સનાતન ધર્મના આરાધ્ય દેવોના સ્વરૂપના સંરક્ષણ માટે "કોણ ઉપાસ્ય અને કોણ નારાયણ?" જેવા અત્યંત અભ્યાસપૂર્ણ પુસ્તકોનું સર્જન કર્યું છે. તેઓ 'ગુજરાત સમાચાર' રવિપૂર્તિમાં બે વર્ષ માટે લખાયેલી તેમની લોકપ્રિય સાપ્તાહિક કૉલમ 'પ્રોજેક્ટર' ના લેખક તરીકે પણ જાણીતા છે. સાથે તેઓ લોકસત્તા જનસત્તા વર્તમાનપત્રમાં પણ હિંદુ ધર્મના દર્શનશાસ્ત્રો ઉપર "ધર્મ અને તત્વ" નામની કૉલમ લખી ચૂક્યા છે. ડૉ. કૌશિક ચૌધરીના વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયા પર વિવિધ વિષયે લખેલા ત્રણસોથી વધુ લેખોના સંકલન રૂપે તેમનું પુસ્તક 'સત્યનું પ્રોજેક્ટર' ઉપલબ્ધ છે.

શંકરાચાર્ય પીઠો અને વૈષ્ણવાચાર્ય પીઠોના સંરક્ષણમાં સનાતન ધર્મ રક્ષાના હેતુથી કાર્યરત "સનાતન સેવા ટ્રસ્ટ" માં ડૉ. કૌશિક ચૌધરી રણનીતિક સલાહકાર રૂપે ટ્રસ્ટી છે. તેઓ "હિંદ ફાઉન્ડેશન" ના સંસ્થાપક છે, જેનો મુખ્ય હેતુ માનવતાને એકજૂથ કરી સત્ય અને આંતરરાષ્ટ્રીય કુદરતી લોકશાહી તરફ તેને આગળ વધારવાનો છે. આ સંસ્થા મુક્ત ચિંતન અને વૈચારિક સંવાદ દ્વારા સત્યના આત્માનુભવ વડે માનવજાતિનું એકીકરણ કરવાનો પ્રયાસ કરે છે.

Author's books